ગુરુ પૂર્ણિમા

 

 ગુરુ પૂર્ણિમા

" ગુરુ પૂર્ણિમા" એ ભારતીય વૈદિક સંસ્કૃતિ નું એક સુવર્ણ પૃષ્ઠ છે, અલૌકિક પુષ્પ છે! માનવમાત્ર ના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ ના પથ પર ગુરુનું વિશિષ્ટ સ્થાન તથા મહત્વ છે. ગુરુ માર્ગ ઉપર નો માઈલ સ્ટોન નથી જે ફક્ત ગંતવ્ય સ્થાન નું અંતર બતાવે, એ દિશાસૂચક બોર્ડ પણ નથી જે ફક્ત દિશા અને દૂરી બતાવે, ગુરુ તો એક ભોમિયા (Guide) જેવો હોય જે આપણી સાથે રહીને, આપણી આંગળી પકડીને, રસ્તા ઉપરના ખાડા, અંતરાયો, વળાંકો, ચોરાહા , ચઢાવો - ઉતારા વગેરે નું ધ્યાન દોરતા દોરતા આપણા ગંતવ્ય સ્થાન પર સલામત રીતે પહોચાડે! ગુરુ માર્ગદર્શક છે. આપણા જીવનમાં આવતા દ્વંદ્વો, સંઘર્ષો માં યોગ્ય માર્ગ બતાવે! ચમત્કાર ના નાદમાં ન પડતાં તે આપણી ઈશશ્રદ્ધા અને આત્મશ્રદ્ધા મજબૂત કરે! આપણા જેવા લઘુને (નાના ને) ગુરુ ( મોટા) બનાવે!

ગુરુ એ જે કનક (સોનું, વૈભવ, પૈસા) સામે કે કાન્તા ( સ્ત્રી) સામે લઘુ એટલે કે લાચાર થતો નથી, આ બધા સામે જેનું પતન થતું નથી અને વિશ્વ ના અનંત પ્રભાવો ના સ્વીકારતાં કેવળ પ્રભુનો પ્રભાવ જ સ્વીકારે!

ગુરુ આપણા જીવનમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ ની ભૂખ નિર્માણ કરે, ઈશનિષ્ઠા નું સર્જન કરે તેથી તે ब्रह्मा છે, આપણી વિકાસાભિલાસા અને ઈશાભિલાસા ખીલે, પુષ્ટ થાય, વધુ ફૂલેફાલે અને વિકસીત થાય તે માટે આપણા અનુરૂપ તથા આપણને અનુકૂળ રસ્તો બનાવે, તેના પર ખૂદ ચાલે અને આપણને આંગળી પકડી ચલાવે, આપણા માટે કૃતિ અને કાર્ય નિર્માણ કરે એટલે એ विष्णु છે અને આપણા જીવનવિકાસ માં અવરોધ રૂપ બનતા આપણા દોષો, આપણી નબળાઈઓ, આપણા વિકારો, આળસ, પ્રમાદ વિગેરે નો નાશ કરે, તેમાં થી આપણને સંભાળે તેથી महेश्वर, शिव છે! તેથી આપણે કહીએ છીએ કે 

गुरुर्बह्मा  गुरुर्विष्णु, गुरुर्देवो महेश्वर:!

गुरुर्साक्षात् परब्रह्म, तस्मै श्री गुरुवे नमः!!

આજે ગુરુપૂજા ફક્ત પાદ્યપૂજા માં, ગુરુભક્તિ કેવળ દક્ષિણા માં,  ગુરુ જ્ઞાન ફક્ત ગુરુ મંત્ર માં અને ગુરુ નું મહાત્મ્ય ચમત્કારો માં જ પરિવર્તિત થઈ ગયા છે અને પરિણામે ગુરુ જેવું સુંદર,સુગંધીત, અત્યંત આવશ્યક એવું પુષ્પ ચીમળાઈ ગયું છે ત્યારે આપણા જેવા  સુજ્ઞ તથા સમજદાર લોકો એ ગુરુ નું મહત્વ, માહાત્મ્ય, આવશ્યકતા અને તેનું આપણા જીવનમાં સ્થાન સમજી લઈને સાચા ગુરુને ઓળખી લેવાની અને તેની આંગળી પકડીને તેના પગલે પગલે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ!

માનવજીવનમાં સાચા ગુરુને ને નમન કરીને તેમના માર્ગ પર કદમ થી કદમ મિલાવી ને તેમનું પૂજન કરવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા!

Comments

Popular posts from this blog

વિશ્વ વસ્તી દિવસ (World Population Day