1 MAY - ગુજરાત સ્થાપના દિવસ / વિશ્વ મજુર દિવસ

 આજનો દિન વિશેષ

1 MAY - ગુજરાત સ્થાપના દિવસ

         ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્તવની ભૂમિકા રહી છે. જોકે, ૧૯૫૬માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. ૧૯૫૬માં નાના પાયે આંદોલનની શરૂઆત થઈ હતી. ઇન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૂઆત કરી પછી આંદોલને મોટું સ્વરૂપ ધારણ કર્યું અને 'મહાગુજરાત આંદોલન' તરીકે પ્રસિદ્ધિ પામ્યું. ગુજરાતની રચના ભલે 1960માં થઈ હોય, પરંતુ તેનો વિચાર 'કુમાર' નામના એક સામયિકમાં 1928માં વહેતો થયો હતો. લેખક અને આઝાદીના લડવૈયા ક.મા.મુનશીએ 'મહાગુજરાત' વિચારને વહેતો મુક્યો હતો. 1937માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય સભામાં આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. એ જ રીતે ગુજરાત રાજ્યનો પ્રથમ નકશો દેવશવજી પરમારે લખેલા 'ઉથરીષ્ટ જાગરત' નામની કવિતાના આગળના ભાગમાં જોવા મળ્યો હતો.


1 MAY - વિશ્વ મજુર દિવસ ( Labour Day)


મજૂર દિવસ (Labour Day) દર વર્ષે 1 મેના રોજ એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે પોતાના લોહી-પાણી એક કરીને દેશ અને દુનિયાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉધોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય છે. મજૂરો અને કામદારોના કારણે જ આજે દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે. મજૂર દિવસ અનેક વર્ષોથી પહેલી મેના રોજ ઉજવવામાં આવે છે. આજનો દિવસ લેબર ડે કે મે દિવસના નામથી પણ ઓળખાય છે. આ દિવસે મોટાભાગના દેશોની મોટાભાગની કંપનીઓમાં રજા હોય છે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના લગભગ 80 દેશોમાં આ દિવસે જાહેર રજા હોય છે. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની શરૂઆત 1 મે 1886થી થઈ હતી. અમેરિકામાં જ્યારે મજૂર યુનિયનના સભ્યોએ કામના કલાકોને 9 કલાકથી વધુ ન રાખવા માટે માગણી કરી હતી અને તેના માટે હડતાળ કરી હતી. આ હડતાળ દરમિયાન શિકાગોની હેમાર્કેટમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટ કોના દ્વારા કરાયો હતો તેની જાણકારી તો કોઈને ન હતી પરંતુ પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા અઆને હડતાળને ખતમ કરવા માટે પોલીસે મજૂરો પર ફાયરિંગ કર્યું અને અનેક મજૂરો માર્યા ગયા હતાં. શિકાગોમાં શહીદ થયેલા મજૂરોની યાદમાં પહેલીવાર મજૂર દિવસ ઉજવાયો. ત્યારબાદ પેરિસમાં 1889માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનમાં જાહેરાત કરાઈ કે હેમાર્કેટમાં નરસંહારમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની યાદમાં 1 મે ના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરાશે અને આ દિવસે તમામ કામદારો અને શ્રમિકોને રજા રહેશે. ત્યારથી જ ભારત સહિત દુનિયાના લગભગ 80 દેશોમાં મજૂર દિવસને જાહેર રજા તરીકે મનાવવા લાગ્યાં. ભારતીય મજદૂર કિસાન પાર્ટીના નેતા કામરેડ કિંગરાવેલુ ચેટ્યારે ચેન્નાઈમાં 1 મે 1923ના રોજ તેની શરૂઆત કરી હતી. ભારતમાં મદ્રાસ હાઇકોર્ટની સામે મજદૂર કિસાન પાર્ટી દ્વારા મોટા પાયે પ્રદર્શન કરવામાં આવ્યું અને એક સંકલ્પ પાસ કરાવીને એક સહમતિ કરાઈ કે આ દિવસને ભારતમાં પણ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે અને એક દિવસ રજાની જાહેરાત કરવામાં આવે. તે સમયે પણ ભારતમાં મજૂરોની જંગ લડવા માટે અનેક નેતાઓ સામે આવ્યાં હતાં. જેમાં દત્તાત્રેય નારાયણ સામંત ઉર્ફે ડોક્ટર સાહેબ અને જ્યોર્જ ફર્નાન્ડિસ પણ સામેલ હતાં.


Comments

Popular posts from this blog

વિશ્વ વસ્તી દિવસ (World Population Day