20 March વિશ્વ ચકલી દિવસ

 


20 March  વિશ્વ ચકલી દિવસ

"તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકરધાડું,
 મારે ફળિયે ચકલી બેસે તે મારું રજવાડું." 

                                         - રમેશ પારેખ

"ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો દાળનો દાણો !!"

બાળપણ આ વાર્તામાં ચકા-ચકીને જોતા જોતા વીત્યું, પણ આજે ના એ ચકલી છે, ના તો એ ચકલો છે, આજે છે તો બસ ઠેર ઠેર મોબાઈલના ટાવર !! 


દર વર્ષે ૨૦મી માર્ચના રોજ 'વિશ્વ ચકલી દિવસ' (World Sparrow Day) ઊજવવામાં આવે છે. ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. ચકલી એ પૃથ્વી પરની સૌથી સામાન્ય અને સૌથી જૂની પક્ષી પ્રજાતિઓમાંની એક છે. ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં આ દિવસની ઉજવણી કરવાનું વિચારવું એ ખરેખર ચકલીઓ અને અન્ય લુપ્ત થઈ રહેલા પક્ષીઓના સંરક્ષણ માટે એક પ્રશંસનીય પગલું છે.


ચકલી એક સમયે આપણા ઘરમાં, આપણી આસપાસ ચીં... ચીં...કરીને પોતાની હાજરી પુરવાર કરતી હતી, પરંતુ હવે આ ચકલીની પ્રજાતિ લુપ્ત થવાના આરે આવી પહોંચી છે, ત્યારે ચકલીની પ્રજાતિને બચાવવા દર વર્ષે ૨૦ માર્ચે 'વિશ્વ ચકલી દિવસ' (World Sparrow Day) ઉજવવામાં આવે છે.


ચકલી એક માત્ર એવું પક્ષી છે કે જે સતત માનવ વસાહતોની વચ્ચે અને તેના ધરમાં જોવા મળતું હોય છે ચકલીઓ મોટેભાગે કોઈ પણ વ્યક્તિના ઘરમાં માળો બનાવીને રહેતી હોય છે અને ઈંડા મૂકતી હોય છે. પરંતુ આધુનિક સમયમાં શહેરીકરણને કારણે જે બહુમાળી ઇમારતો ખડકાઈ રહી છે તેને કારણે ચકલીઓને માળા બનાવવાની જગ્યા નામશેષ થઈ રહી છે આવી પરિસ્થિતિમાં ચકલી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે અને આજે શહેરમાં ખૂબ જૂજ પ્રમાણમાં ચકલીઓ જોવા મળી રહી છે.


વિશ્વ ચકલી દિવસ એ ભારતની Nature Forever Society of India દ્વારા ફ્રાન્સની Eco-sys Action Foundation અને વિશ્વભરની અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સહયોગથી શરૂ કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય પહેલ છે. સૌપ્રથમ વર્ષ ૨૦૧૦માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


ભારતમાં ચકલીના સંરક્ષણ માટે Nature Forever Society of India ની શરૂઆત મોહમ્મદ દિલાવર દ્વારા કરવામાં આવી હતી, જેમણે નાસિકમાં ઘરની ચકલીઓ (House Sparrow)ને મદદ કરવાનું કામ શરૂ કર્યું હતું. અને તેમના પ્રયત્નો માટે TIME દ્વારા વર્ષ ૨૦૦૮ માટે "પર્યાવરણના હીરો"માંના એક તરીકે નામ આપવામાં આવ્યું હતું. Nature Forever Society of India ના કાર્યાલયમાં એક અનૌપચારિક ચર્ચા દરમિયાન વિશ્વ ચકલી દિવસ મનાવવાનો વિચાર આવ્યો હતો. પર્યાવરણના સંરક્ષણ માટે Nature Forever Society of India દ્વારા ૨૦ માર્ચ, ૨૦૧૧ ના રોજ અમદાવાદ, ગુજરાતમાં પ્રથમ ચકલી એવોર્ડની સ્થાપના કરી છે.


ચકલીઓને બચાવવા આટલું કરીએ:

 (1) 'નેસ્ટ હાઉસ' બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલીને ફરીથી ઘર નજીક વસાવીએ.

 (2) ચકલી માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂંકડા, ભાત વગેરે અચૂક મૂકીએ. 

(3) દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ. 

(4) ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ 

(5) બાળકોમાં નાનપણથી જ પક્ષીઓ પ્રત્યે લગાવ, કરુણા, મદદની ભાવના જાગૃત કરીએ.


આજે વિશ્વ ચકલી દિવસે I Miss You ચકા ચકી ! વિશ્વ ચકલી દિવસની શુભકામનાઓ !!

Comments

Popular posts from this blog

વિશ્વ વસ્તી દિવસ (World Population Day