12 March દાંડીકૂચ દિવસ
આજનો દિન વિશેષ
12 March દાંડીકૂચ દિવસ
દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. 12 માર્ચ થી 6 એપ્રિલ 1930 દરમિયાન 24 દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના 79 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી. 24 દિવસ સુધી પ્રતિદિન 10 માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. અહીં તેઓ કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા કે, “મૈને નમક કા કાનુન તોડા હૈ"... અને ભારતમાં બીજી ઘણીબધી જગ્યાએ પણ આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. ૬ એપ્રિલ ના રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા. દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયાકિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો તોડવાની સાથે માર્ગમાં સભાઓને સંબોધિત કરતા રહ્યા. કોંગ્રેસ પક્ષે દાંડીની દક્ષિણે 25 માઇલ દૂર આવેલા ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ યોજના કાર્યાન્વિત થાય તે પહેલાં જ ચોથી મેની મધ્યરાત્રિએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. દાંડીકૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે સમાચાર માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક પ્રતિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો અને મહાત્મા ગાંધીની જેલ મુક્તિ બાદ વાઇસરોય ઇરવીન સાથેની બીજી ગોળમેજી પરિષદ સાથે સમાપ્ત થયો. મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ 60000 જેટલાં ભારતીયોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. જોકે, આ સત્યાગ્રહ અંગ્રેજો તરફથી મોટી કર માફી અપાવવામાં નિષ્ફળ રહ્યો. આ કૂચમાં ગાંધીજી સહિત કુલ 80 સ્વયંસેવકોએ ભાગ લીધો જે પૈકી મોટા ભાગનાની ઉંમર 20 થી 30 વર્ષની હતી. જેમ જેમ કૂચ આગળ વધતી રહી તેમ માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. દાંડી કૂચ સંબંધિત રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક નામનું એક સ્મારક સંગ્રહાલય ૩૦ જાન્યુઆરી 2019 ના રોજ દાંડી ખાતે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
Comments
Post a Comment